ચોર્યાસી લાખ ફેરા – નાના હતા ત્યારથી આ વાત મોટેરાઓ દ્વારા, કહેવાતા ધર્મોપદેશકો દ્વારા અને જે જે “સંતો”ના સંપર્કમાં આવતા તે બધા દ્વારા આ વાતનું સ્મરણ કરાવવામાં આવતું. કોઈ રીતે સમજાતુ નહિં કે આપણે આવતા જન્મે કોઈ બીજા જ પ્રાણી-પક્ષી-જળચર કે કીટકનો જન્મ લઈશુ અને પછી પાછો ક્યાંક ને પછી ક્યાંક.. કદાચ કોઈ અન્ય જાતિના માણસોમાં વગેરે વગેરે. તેમાંય વળી વિજ્ઞાન ભણ્યા, અને ઉત્ક્રાંતિ વિષે જાણવાનો બહુ શોખ, માટે ડાર્વિનને તો બહુ ફેંદી નાખ્યો. માળુ ક્યાંય સમજ ન પડી, અને કોઈ કાળે મગજમાં તાળો ન મ્ળ્યો કે કોઈ માણસ મરી જાય એટલે કાચબાનો જન્મ થઈ શકે કે પછી સસલો પણ બની શકે; તો મચ્છર, માંકડ કે ચાંચડ પણ બની શકે!!
તેની સાથે-સાથે ભારતિય દર્શનશાસ્ત્રોમાં કહેલી બીજી ઘણી વાતો વિષે પણ જાણવાનું ચાલુ હતુ; અને તેનું વૈજ્ઞાનિક વિશ્લેષ્ણ કરવાની પ્રક્રિયા આપોઆપ થઈ જતી. જેમકે, ગણિતના ઉટપટાંગ દાખલા, સમીકરણ, સિધ્ધાંતો અને ‘પાઈ’ જેવા અચલાંકોની કિંમત… આ બધી બાબતો પર બનેલા શ્લોકોનો સાચો મર્મ સમજાયો ત્યારે લાગ્યુ કે આતો શુધ્ધ જ્ઞાનની વાતો છે; ક્યાંય લખ-ચોર્યાસી જેવા હવાઈ તુક્કાની વાત જ આવતી નથી. તે ઉપરાંત ભારતિય શૈલીથી બનાવવામાં આવતા મંદિરો, વેદીઓની બનાવટ, અને તેમાં રહેલુ સુક્ષ્મ ગણિત, ત્રિકોણમિતિ, ભુમિતિ અને તેનો અવકાશી ગણિત અને અવકાશી-ત્રિકોણમિતિ સાથે મેળ પાડવો; સમયનું ચોક્કસ આકલન. ગ્રહોની ગતિનું સચોટ ગણિત. વાસ્તુશાસ્ત્ર (Architecture), ત્રિકોણમિતિ(trigonometry), ભૂમિતિ(Geometry) અને આવી કેટલીય બાબતોમાં અતિવિકસીત તત્વજ્ઞાનીઓ અને વિજ્ઞાનીઓ લખ-ચોર્યાસી જેવું તૂત કેવી રીતે ચલાવી શકે?? તો પછી શું તેની પાછળ કોઈ ગૂઢાર્થ હશે? કે પછી સાંકેતિક ભાષામાં કંઈ કહેવાયેલું હશે? ચગડોળે ચડી જવાય તેવું છે. (મારું દ્રઢપણે માનવું છે કે ભારતિય દર્શનોમાં કહેવાયેલી વાતો જે તે સમયના સંદર્ભની વિજ્ઞાનની વાતો છે; તેને ઠોસ આધાર છે; કોઈ કપોળ કલ્પિત વાતો નથી. હા, તેને વર્ણવવા માટે ક્યારેક સંકેતોનો ઉપયોગ કરો હોઈ શકે કે પછી સામાન્ય જનને સમજાય તે માટે લોક્ભોગ્ય દ્રષ્ટાંતો આપીને અઘરી વાતનો ઉલ્લેખ કર્યો હોય.) આવી આધાર વગરની વાતને માનવા મન તૈયાર થતુ નથી
વેદવ્યાસ જેવા અતિજ્ઞાની એ પણ મહાભારતની રચના કરતી વખતે ભગવદગીતામાં શ્રીકૃષ્ણને મુખે આ શબ્દો મુક્યા છે – “બહૂનિ મે વ્યતિતાનિ જ્ન્માનિ તવ ચાર્જુન| તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરન્તપ||” ( અધ્યાય ૪; શ્લોક ૫) “હે પરંતપ, તારા અને મારા ઘણા જન્મો થઈ ચૂક્યા છે. તે બધાને તું નથી જાણતો પણ હું જાણુ છુ.” — આ વાત એક કોયડો જ છે!!! કોઈના ઘણા બધા જન્મ કેવી રીતે હોઈ શકે?? અને જો હોય તો તેની આધારભૂત જાણ કેવી રીતે કરવી?? પુનર્જન્મ(!!) કેવી રીતે સાબિત કરવો? મર્યા પછી જ આની ખબર પડે અને મર્યા બાદ તો વ્યક્તિ ગમે તેટલું કરવા ધારે તો પણ તેણે બળી કે સુકાઈ કે દટાઈ કે પછી ખવાઈ જ જવાનું હોય છે!!
શું પુનર્જન્મ કે પછી; ચોર્યાસી લાખ ફેરાની વાત લોકોને માત્ર સારા કર્મો કરવા માટે પ્રેરણા દેવા પૂરતુ જ કરવામાં આવી હશે? પણ તેને માટે “ચોર્યાસી લાખ”નો આંકડો કેમ પસંદ કરવામાં આવ્યો? શું તે સમયના વૈજ્ઞાનિકો એ પૃથ્વી પરની બધી જ જીવીત પ્રજાતિઓ : પ્રાણી-પક્ષી-જળચર-કિટક-વનસ્પતિ : ની ગણતરી કરી હશે? કે પછી સાવે-સાવ ટાઢા પહોરની ગપ!!!
અને જ્યારે પ્રજાએ (એટલે કે ભક્તોએ)આ વાત (પુનર્જન્મની વાત) માની લીધી તો પછી આ પુનર્જન્મની વાતને “આત્મા” વગર તો કોઈ આધાર જ ન રહે!! જો વ્યક્તિ મરી જ જતો હોય તો પુનર્જન્મ વખતે કોણ પાછુ આવે છે?? આત્માની કલ્પના સિવાય તો પુનર્જન્મની (અને લખ-ચોર્યાસીની) વાતને કોઈ આધાર જ ન રહે!! હં…. તો હવે મેળ બેસી જાય; આત્માની કલ્પના આવવાથી; નવા જન્મની સાથે-સાથે ઘણું બધુ તેને નામે ચડાવી દેવાય; જેમ કે કર્મ અને કર્મનો આખે-આખો ટોપલો. અજર-અમર (નૈનં છિન્દન્તિ…. યાદ છે ને!!) આત્મા કર્મના સિધ્ધાંત ઉપરાંત પણ ઘણા બધા “હોઈપોથેસીસ”ને “થીયરી” બનાવવામાં મદદ રૂપ થાય છે. આત્માની પરિકલ્પના વિષે જેમ-જેમ વિચારતા જાવ તેમ-તેમ તમને ‘આત્મા’ની પરિકલ્પના ખરેખર અદભૂત અને રોમાંચક લાગશે. જેમ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનુ સૂત્ર મેળવવાના અગણિત પ્રયાસોને અંતે ‘પાઈ’ (pi, p) જેવો અચલાંક શોધ્યો અને કંઈ કેટલીય ગણતરીઓ આસાન થઈ ગઈ. તે જ રીતે “આત્મા” તત્વની પરિકલ્પના કરવામાં આવી (શોધ કરવામાં આવી તેમ ન કહેવાય કારણ કે તેની સ્પર્શી-દેખી-સૂંઘી શકાય તેવી શોધ હજુ સુધી થઈ શકી નથી!!) અને કંઈ કેટલાય પ્રશ્નોનો હાથવગો ઉત્તર મળી ગયો.
ચાલો થોડુ આપણુ સામાન્ય તર્ક લડાવી એ… ખાસ કરીને આ મૃત્યુ અને પુનર્જન્મની વાતે તો સંપૂર્ણ તાળો મળી ગયો. કેમકે મૃત્યુને માત્ર શરીરનો અંત તરીકે ઓળખવામાં આવ્યુ અને આત્મા આ શરીરમાંથી બીજા શરીરમાં ચાલ્યો જાય છે; આ આત્મા મરી નથી શકતો; બળી નથી શકતો વગેરે.. વગેરે.. જો આત્મા અમર હોય તો જ પુનર્જન્મ થઈ શકે. અને જો પુનર્જન્મ થતો જ હોય તો તેને પછી માનવો નો માનવોમાં અને પ્રાણીઓનો પ્રાણીઓ સુધી જ કેમ સિમિત રાખવો જોઈએ? માટે કલ્પના આગળ વધારી; આત્મા તો બધાનો એક સરખો જ છે; કોઈ પણ આત્મા ક્યાંય પણ ઇન્ટર-ચેઈન્જ થઈ શકે. ઘોડો હોય તે મર્યા પછી કાબર બની જાય અને ગરોળીનો મગર બને; સાપ મર્યા પછી અમેરિકન બનશે અને જર્મન ફરીથી આંદામાનમાં જન્મ લેશે. આ આત્માની હેર-ફેર ગમે ત્યાં થઈ શકે… પણ સૌથી અગત્યનો પ્રશ્ન.. આ નક્કી કોણ કરે? તો તેને માટે તો ભગવાન હાથ વગા હતા જ – કારણ કે, ભગવાનનું લોકો સ્મરણ કરે (એટલે કે સારી નીતિ-નિયમો વાળી જીંદગી જીવે) તે માટે તો આ આત્માની પરિકલ્પના હતી. તો, આ નક્કી કરવાનો અધિકાર ભગવાનનો (જેને કદાચ આ કારણે જ પરમ્ – આત્મા એટલે કે પરમાત્મા કહેતા હોઈશું) કે કોણ મર્યા બાદ ક્યાં જશે. પણ, આ નક્કી કરવા પાછળનું ભગવાનનું લોજીક શુ? સાવ સીધો જવાબ – કર્મ!! હવે પૂરેપૂરો તાળો મળી જાય. જો સારા કર્મ કરો તો ભગવાન ખુશ થાય અને તમારો આત્મા પુનર્જન્મ વખતે વધારે સારી જગ્યાએ જઈ શકે. એટલે કે શુદ્ર તેના પુનર્જન્મમાં બ્રાહ્મણ થાય અને બ્રાહ્મણ બ્રહ્મર્ષિ થઈ શકે. પણ જો કર્મ કરવાનુ ધ્યાન ન રાખે તો?? તો તો તેની પદોન્નતિ થવાને બદલે નીચ ગતિ થાય. એટલે કે બ્રાહ્મણને ગધેડો પણ થવુ પડે!! હવે મોટો સવાલ એ આવે કે અતિ મહાન આત્મા જેણે જન્મો-જન્મ સારા જ કર્મો કર્યા અને ધીમે-ધીમે અતિ ઉચ્ચકુળ-જાતિમાં જન્મ લીધો; અને ત્યાં પણ સારા જ કર્મ કર્યા તો તેનું શું. હવે, અહિ તાળો મળવો મુશ્કેલ થઈ પડે છે; આખી વાતનો ગોટો વળી જાય. એક નવા અચલાંકની જરૂર છે; એક નવી પરિકલ્પનાની જરૂર છે.. આ પરિકલ્પના કરી પરમધામના રૂપમાં. અથવા સ્વર્ગ કે પછી જન્નતના રૂપમાં. મતલબ કે સ્વર્ગ એ કોઈપણ આત્માનું છેલ્લુ લક્ષ્ય!! કોઈ-કોઈ ફીરકાઓએ પોતાના પરમધામની કલ્પનાને સ્વર્ગથી પણ બહેતર બતાવી. તેમનું કહેવાનુ છે કે સ્વર્ગમાં તો આત્મા મોજ-મજા કરે અને પોતાના કર્મો વાપરે (જેમ ડીઝની લેન્ડમાં જઈને તમે પોતાની કમાણી વાપરો તેમ) જ્યારે કર્મો ખુટી જાય એટલે પાછો જન્મ લેવો પડે અને કર્મો કમાવવાની ક્રિયા ચાલુ થાય. જ્યારે પરમધામ તો એવું કે ત્યાં ગયા પછી પાછુ જ ન આવવુ પડે; આત્મા પરમાત્મામાં વિલિન થઈ જાય!! સુંદર કલ્પના અને ઘણું જ ઉચ્ચકોટીનું ગાજર… દરેક માનવીને દોડવાની મજા પડે તેવું. એક વાર એટલા બધા સારા કર્મો કરી લો કે પછી કર્મો કમાવવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ!!
હવે આપણી સામાન્ય વૈજ્ઞાનિક સમજ પ્રમાણે આત્માની; પરમાત્માની અને આત્માનું પરમાત્મામાં વિલિન થવાની વાતને વિચારીએ. આત્મા એટલે?? મારા જેવો સામાન્ય બુધ્ધિ ધરાવતો માણસ શું સમજી શકે? હું માનું છું કે આત્માની પરિકલ્પના આપણી લાગણીઓના “લોચા”ની કલ્પના છે. મનુષ્ય શરીરમાં (અને તે જ રીતે કોઈપણ જીવિત કે અજીવિત ચીજ-વસ્તુમાં) સૌથી વધારે અસ્પષ્ટ અને સમજવા માટે અત્યંત જટીલ કંઈ પણ હોય તો તે આ લાગણીઓ છે (કે પછી કહી શકાય કે હતી; કારણકે આપણે માનવ મગજમાં થતા રાસાયણીક અને વિદ્યુતિય ફેરફારોને આધારે લાગણીઓનો તાળો મેળવવાની શરૂઆત કરી દીધી છે). માટે લાગણીઓની વ્યાખ્યા કરવા માટે કંઈક જોઈએ. આત્માની પરિકલ્પના તેમાં ફીટ બેસતી હતી; દરેક લાગણીઓ ના ઘોડાપૂરમાં પણ જો કોઈ સ્થિર રહી શકતું હોય તો તે આત્મા છે. એટલે કે વ્યક્તિ-માનવીને કંઈ પણ અનુભવાય તેને માટે તેનું શરીર જવાબદાર છે; આત્મા નહિં. લાગણીને આપણે (જે તે સમયે) સંપૂર્ણપણે નહોતા સમજી શક્યા પણ એટલુ તો સાબિત કરી જ દીધુ કે લાગણીઓનો અનુભવ શરીર દ્વારા જ થાય છે; અને આપણે આપણા શરીરને એ પણ સમજાવવું રહ્યું કે સારી કે ખરાબ જે કોઈ લાગણી અનુભવાય છે તેની કોઈ અસર તેના મૂળ-તત્વ એવા આત્મા પર નથી થતી!!
જો આપણું શરીર (જે પ્રમાણે આપણે અત્યારે જાણીએ છીએ તે પ્રમાણે) ત્રણ મૂળભૂત કણો (ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન) અને ચાર મૂળભૂત શક્તિઓ (સ્ટ્રોંગ ફોર્સ, ઈલેક્ટ્રો-મેગ્નેટીક ફોર્સ, વીક ફોર્સ અને ગ્રેવિટેશનલ ફોર્સ) થી જ બનેલુ છે (કારણ કે બ્રહ્માંડમાંનો દરેક પદાર્થ તેનાથી જ બનેલો છે) તો આ કણો જ્યારે એક બીજાથી છૂટા પડી જશે ત્યારે આપણે પણ વિલિન થઈ જઈશુ અને જ્યારે આ મૂળભૂત શક્તિઓ તેનો પ્રભાવ દાખવવાનું બંધ કરી દેશે ત્યારે આપણું અસ્તિત્વ નહિ રહે. (ક્વૉન્ટમ્ ભૌતિકી મુજબ – ખરેખર તો જ્યારે આ ચાર મૂળભૂત શક્તિઓ પોતાનો પ્રભાવ ખતમ કરી દે ત્યારે મૂળભૂત કણો પણ અસ્તિત્વમાં ન રહે!!) મતલબ કે આપણા બધા કર્મો પરવારી જાય અને આત્માનું પરમાત્મામાં વિલિનીકરણ થઈ જાય. આવું ક્યારે બને? સ્ટ્રોંગ ફોર્સ કોઈપણ પરમાણુની નાભીને જકડી રાખે છે. એટલેકે તે પ્રોટોન-પ્રોટોન વચ્ચે થતા અપાકર્ષણની વિરૂધ્ધ તાકાત કરીને પ્રોટોનને એકબીજા સાથે જકડી રાખે છે અને નાભીને સલામત રાખે છે. તેનુ વિરોધી બળ ‘વિતરાગ’નું છે – વિતરાગ પેદા થતા આત્મા કોઈ રીતે જકડાઈ નહી રહે અને સ્ટ્રોંગ ફોર્સ ખતમ થતા નાભીનું અસ્તિત્વ નહિં રહે. ઈલેક્ટ્રો-મેગ્નેટીક ફોર્સ એટલોતો તાકતવર છે કે તેની સામે બીજા ફોર્સ નગણ્ય છે. પરમાણુના અસ્તિત્વને ટકાવી રાખવામાટે ઈલેક્ટ્રો-મેગ્નેટીક ફોર્સ સૌથી વધારે જવાબદાર છે. કોઈપણ મૂળભૂત તત્વમાં ઈલેક્ટ્રીક ચાર્જ રહેલો હોય છે અને તેનો ગુણધર્મ છે કે સમાન ચાર્જ વચ્ચે અપાકર્ષણ થાય અને અસમાન ચાર્જ વચ્ચે આકર્ષણ થાય, ક્રોધ અપાકર્ષણ પેદા કરે અને કામ આકર્ષણ પેદા કરે. બંને પર કાબુ મેળવીએ તો ઈલેક્ટ્રો-મેગ્નેટીક ફોર્સનો છેદ ઊડી જાય. વીક ફોર્સ (ક્ષીણ શક્તિ) ન્યુકિયર પાર્ટીકલના ક્ષીણ થવા માટે કારણભૂત હોય છે. તેના લીધે જ પ્રોટોનનું સ્વરૂપ બદલાઈને ન્યુટ્રોન થાય છે જેને લીધે હાઈડ્રોજનનું ડ્યુટેરિયમમાં રૂપાંતર થાય છે અને તેને લીધે જ સૂર્ય જેવા તારાઓની ભટ્ઠી ચાલતી રહે છે. આપણી અંદર રહેલ આંતરવાસના આપણો વીક ફોર્સ છે. તેને ખતમ કરવો જ રહ્યો. ગ્રેવિટશનલ ફોર્સ કે ગ્રેવિટી એટલે આપણું અભિમાન. અભિમાનથી પર થઈ જઈશું તો હળવાફૂલ થઈ જઈશું. ( આ બધી મારી નરી કલ્પના છે; તેને કોઈ પ્રાયોગિક આધાર નથી, માટે જેમનુ તેમ માની ના લેવુ)
આ એક કલ્પના માત્ર છે!!! ઉપર જણાવેલા મૂળતત્વ વિષે જો વધારે ઊંડાણથી વિચારો તો તરત જ તાળો મળે કે આ મૂળતત્વ તો આપણે પોતે જ!!… એટલે કે આપણું વિચાર કરી શકતું, તર્ક કરી શકતું આંતરમન પોતે જ આ મૂળ તત્વ છે. ક્યારેક એકલા બેઠા-બેઠા એ અચાનક હરખાઈ જાય છે અને ક્યારેક અત્યંત દુઃખી થઈ જાય છે!! આ જ તો આપણુ મૂળ તત્વ છે; જેને આપણે આપણી અંદર જ હમેશા શોધ્યા કરીએ છીએ અને વારે-વારે ખોઈ દઈએ છીએ. તેની માત્ર ક્ષણભર અનુભૂતિ થાય તો પણ પરમ આનંદ થઈ જાય છે અને આ આનંદ દુન્યવી નથી હોતો!! (એટલે કે દુનિયાની મોજ-મજાની ચીજોમાં આવે તેવો નથી હોતો). આ આનંદની ક્ષણ લંબાઈને જીંદગી ભરની થઈ જાય તેને જ કદાચ મુક્તિ કહેતા હશે. લખ-ચોર્યાસી ફેરા માંથી મુક્તિ!!