હોંગકોંગ શહેરમાં આજે હું નવ મહિનાઓથી રહી રહ્યો છું તો તે વિષેની આ ખાસ વાત કરવાનું ચોક્કસ મન થાય છે. હોંગકોંગ શહેર દુનિયાના ઉત્તમોત્તમ શહેરોમાંનુ એક છે. વર્ષ ૨૦૧૦માં થયેલ Global Cities Index સર્વે પ્રમાણે હોંગકોંગ દુનિયાનું પાંચમા નંબરનુ સારામાં સારુ શહેર હતું ન્યુયોર્ક, લંડન, ટોક્યો અને પેરિસ બાદ તેનો World’s best Metropolisમાં પાંચમો નંબર આવતો; તો GDP (માથાદીઠ આવક) બાબતે તેનો દુનિયાના અન્ય શહેરોની સરખામણીમાં ચૌદમો નંબર હતો અને વસ્તીની બાબતમાં તે દુનિયાનું ૩૧મું સૌથી ગીચ શહેર હતું. જોકે ૨૦૧૧માં Knight Frank Global Cities Survey મુજબ Citi Indexમાં તેનું સ્થાન છેક સત્તરમું છે પણ Economic Activitiy માં તેનો નંબર હજુ પણ સાતમો છે; તેની પહેલા એશિયાના બે શહેરો – શાંઘાઇ (પાંચમુ) અને સિંગાપોર (છઠ્ઠુ) છે. મતલબ કે નાણાકિય વહેવારો અને ધંધા વ્યાપારની દ્રષ્ટિએ આજે પણ હૉંગકૉંગની તોલે ભારતના કોઇ જ શહેરો આવતા નથી.

અહિંનુ Infrastructure અફલાતુન છે, મહેનત કરનાર માટે પૈસા કમાવા માટેની અહીં પૂરતી તકો છે, મનોરંજન માટે જરુર કરતાં પણ વધારે સંસાધનો છે, વર્લ્ડક્લાસ હોટલો અને દુનિયાભરની વાનગીઓ પીરસતા રેસ્ટોરન્ટ્સ અને સરસ મજાની નાઈટલાઇફ. એક મહાનગરની મસ્તી માટે જરુરી હોય તે બધું જ અહીં છે. તાજા સમાચાર મુજબ અહિંની સરકાર પાસે એટલા બધા સરપ્લસ નાણા છે કે, સરકાર આ વર્ષે કરદાતાઓને ૧૨ હજાર ડૉલરની રાહત આપવાનું વિચારી રહી છે!! આ ઉપરાંત સરકાર ટૅક્સ બૅનિફીટની લિમિટ ૧૦૮૦૦૦ થી વધારીને ૧૨૦૦૦૦ સુધીની કરી રહી છે; હૉંગકૉંગના કાયમી રહેવાસીઓને દરમહિને ૬૦૦૦ ડૉલરની મદદ પણ આપી રહી છે; અહીંનુ રિયલ ઍસ્ટેટ માર્કેટ દિવસે ન વધે તેટલું રાતે વધી રહ્યું છે; વિશાળ બે ટર્મિનલ ધરાવતા ઍરપૉર્ટમાં અહિંની સરકાર ત્રીજા ટર્મિનલ અને ત્રીજા રન-વેનો ઉમેરો કરી ઍરપૉર્ટને હજુ પણ વધારે વિશાળ બનાવી રહી છે. નાણાથી અહિંની સરકારની કોથળી ફાટફાટ થઇ રહી છે; અને આ નાણાને રસ્તો આપવા માટે, સરકાર છેલ્લા એક વર્ષથી લોકોને તેમના ઇલેક્ટ્રીસિટી બિલમાં મહિને ૧૫૦ ડૉલરની રાહત આપી રહી છે; સરકારી મકાનોમાં ભાડે રહેતા હૉંગકૉંગ વાસીઓના ભાડા માફ કરવાની પણ વિચારણા છે. એમ માનોને કે આપણા દેશ કરતા તદ્દન ઊંધુ જ ચિત્ર છે. ત્યાં દેશના નેતાઓ વધુને વધુ ટૅક્સ નાખવાની પેરવી કરી રહ્યા છે ત્યારે અહિં સરકાર પ્રજાના પૈસા તેને પાછા કેવી રીતે આપવા તેના નુસ્ખા શોધી રહી છે.

ફેશનેબલ વસ્ત્રો હોય કે પછી ફૅશન ઍસેસરીઝ, ઘડિયાળો હોય કે પછી ઘરેણાં, ઇલેક્ટ્રોનિક ગૅજેટ્સ હોય કે પછી કૅમેરા દુનિયાભરની સૌથી મોંઘી બ્રાન્ડસ્ અહિં મળે છે. પૈસાથી ખરીદી શકાતી દરેક સાહેબી અહિંયા મોજૂદ છે.

પરંતુ આ મહાનગરનો એક વરવો ચહેરો પણ છે – અહિંના અછૂતો!! હા, તમને લાગશે કે જે મહાનગરનો પાયો જ દુનિયાના સૌથી ઍડવાન્સ્ડ ઈકોનોમિકલ મૅટ્રોપૉલિસ તરીકે નખાયો હોય; વેપાર ધંધામાંથી કોઈ ઊંચા જ ન આવતા હોય તે શહેરમાં લોકોને છૂત-અછૂત વિષે વિચારવાનો સમય જ ક્યાંથી મળે? પરંતુ, આ અહિંની એક કડવી વાસ્તવિકતા છે કે, આ શહેર (અથવા ટેકનિકલી કહિએ તો ૧૯૯૯ બાદ ચીનનો એક સ્પેશિયલ ઈકોનૉમિક રિજિયન)માં પણ ઊંચનીચના ભેદભાવો છે અને તે જાહેર જીવનમાં પણ સ્પષ્ટ દેખાઇ આવે છે. અને સૌથી દુઃખકારક વાસ્તવિકતા એ છે કે અછૂત ગણાતા ગણ્યા-ગાંઠ્યા વર્ગોમાં વિશાળ જનસંખ્યા ધરાવતા ભારતિયોનો પણ સમાવેશ થઈ જાય છે!!

હોંગકોંગ આ બિમારીથી બહુ જ ખરાબ રીતે પિડાય છે. ચિત્ર કાંઇક આવું છે – હોંગકોંગના મૂળ નિવાસીઓ તેમની જાતને સૌથી ઉચ્ચ પ્રકારના માનવો માને છે અને તેવું બીજા લોકો પણ માને તે બાબતે બહુજ સભાન પણે પ્રયાસ કરે છે. આ વિસ્તારનો અર્વાચિન ઈતિહાસ જુઓ તો મૂળેતો આ શહેરનો ઉદભવ બ્રિટન અને ચીનાઓ વચ્ચે અફીણને મુદ્દે થયેલ બે લડાઇઓ(જે ઇતિહાસમાં Opium War તરીકે પ્રખ્યાત છે)  ના પરિપાક રુપે થયો છે. ઓગણીસમી સદીના મધ્ય ભાગથી લઇને અંત સુધીમાં હોંગકોંગ ટાપુ, કોવલુન વિસ્તાર અને ન્યુ ટેરિટરીઝ તરીકે ઓળખાતો વિસ્તાર તબક્કાવાર બ્રિટને ચીન પાસેથી આંચકી લિધા કે પછી ચીને તેને રાજીખુશીથી આપ્યા.

આ દરમિયાન બ્રિટનની જે જે સ્થળોએ કોલોની હતી તે દરેક જગ્યાઓએથી રહેવાસીઓ અલગ-અલગ કારણોથી આવીને અહિં વસ્યા. જેમાં ભારતિયોની સંખ્યા પણ ઘણી વધારે હતી. જે ભારતિયો તે સમયમાં અહિં વસાવવામાં આવ્યા તેમાના મોટાભાગના અંગ્રેજો વતી ચીનાઓ સામે લડવામાટે સૈનિક તરીકે આવ્યા હતા. અને તેમાં પણ પંજાબના શીખોની સંખ્યા ઘણી વધારે હતી. સૈનિક હોવાને લીધે તેઓ પોતાના ઘર પરિવારથી ઘણા લાંબા સમયથી દૂર રહેતા હતાં તે કારણથી અને તે સમયમાં સામાન્ય ગણાતી અનિતિઓ મુજબ તેઓએ અહિંના સ્થાનિકો પર જોર-જુલમ કરતી વખતે અહિંની સ્ત્રીઓને પણ ખરાબરીતે ભોગવી હશે. જેને લીધે તે સમયના સ્થાનિક ચીની નગરિકો પર ભારતિયો વીષેની એક ભયાનક અને બર્બર જાતિ તરીકેની છાપ ઉપસી આવી હશે. જેને પેઢી દર પેઢી આજના સ્થાનિક ચીની નાગરિકો પણ સાચવી રહ્યાં છે; અને આજે પણ ભારતિય કે તેના જેવા દેખાવના કોઇ પણ રાષ્ટ્રિયતા ધરાવતા વ્યક્તિઓ સાથેનો તેમનો વ્યવહાર અછૂત તરીકેનો જ છે. (આ થિયરી મને એક સ્થાનિક મોના સરદાર – જેમણે પોતાના દાઢી-મૂછ કપાવી નાખ્યા છે તેવા શીખો – એ સમજાવી હતી)

ચાલો, ભારતિયો વિષેની તેમની લાગણી માટે આ દલિલ શક્ય છે; પરંતુ, મારા અને મારા સાથી મિત્રોના અનુભવ મુજબ અહિંના સ્થાનિકો હોંગકોંગ મૂળ નિવાસી સિવાયના દરેક વ્યક્તિને પોતાનાથી ઉતરતો માને છે (થોડા-ઘણા ગોરા લોકોને બાદ કરતાં આ લાગણી દરેક માટે એક સરખી છે). ત્યાં સુધી કે તેમના પોતાના પૂર્વજ એવા ચીનના લોકોને પણ તેઓ સ્થાનિકો જેટલો દરજ્જો આપતાં નથી!! તેનું કારણ કદાચ એવું હોઇ શકે કે – આ વિસ્તાર ઘણા લાંબા સમયથી બ્રિટનની હકુમતમાં હતો. બ્રિટિશરોએ આ વિસ્તારને એક સંપૂર્ણ વ્યાવસાયિક વિસ્તાર તરીકે વિકસાવ્યો હતો અને, એક અતિઆધુનિક યુરોપિયન શહેરમાં હોય તે બધું જ આ શહેરમાં લઇ આવ્યા હતાં; સાથે સાથે; યુરોપની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ; તે પ્રકારની રિતભાત(etiquette); ભાષા, સંસ્કાર, શિસ્ત અને સૌથી વધુતો; દુનિયાના કોઇ ખાસ સ્થળે જન્મ્યા અને વસતા હોવાનું એક અભિમાન પણ યુરોપિયનોએ તેમને આપ્યું. જે સમયે હોંગકોંગ આખી દુનિયાથી આગળ નિકળી, પશ્ચિમી દુનિયાની વિકાસકૂચની બરોબરી કરવા માટે પૂર્વના દેશોની આગેવાની લઇ રહ્યું હતું ત્યારે પડોશી ચીન સામ્યવાદના લોખંડી દરવાજાની પાછળ હજુ પણ બીજા વિશ્વ યુધ્ધની સમાપ્તિ ટાણેના સમય પર અટકેલું હતુ (at least સામાન્ય માણસોની જિંદગીતો ૧૮મી સદીના ખેડૂતની જિંદગીથી આગળ નહોતી વધી). તે સમયના સ્થાનિક ચીન-વાસીઓ ગમેતેમ કરીને હોંગકોંગ જવામાં પોતાના જીવનનું સાર્થક્ય ગણતા; આવી પરિસ્થિતિમાં હોંગકોંગ વાસીઓ ચીની નાગરિકોને સામાન્યરીતે જ પોતાનાથી ઉતરતા સમજે અને તેમનાથી અંતર રાખવા માટે અનેક જાતના બહાના શોધી રાખે તે પણ સ્વાભાવિક છે. આ દ્રષ્ટિએ જોઇએ તો હોંગકોંગવાસીઓ ચીની લોકોથી તેમને ચડિયાતા ગણે તે માટે આજે પણ તેમની પાસે કારણો મોજૂદ છે અને તેમના કારણોમાં વજૂદ પણ છે.

યુરોપના લોકોમાટે હોંગકોંગ વાસીઓ ત્વચાના રંગને લીધે અહોભાવ દેખાડે છે; પરંતુ જો તેમને ચાન્સ મળે તો તેઓ તેમને પણ પોતાના આ ભેદભાવભર્યા વર્તનનો પરચો દેખાડી દે છે. બાકી કોરિયન કે જાપાની લોકોને માટે તે ઉપરછલ્લી રીતે સમાનભાવ દેખાડે પરંતુ તેમને પણ વખત આવ્યે તેમની જગ્યા દેખાડી આપે છે. જો કે જાપાની લોકોતો આથી પણ એક ડગલું આગળ છે; તે તો આ દેશમાં રહીને જ હોંગકોંગ વાસીઓનું જાતિસંબંધી અપમાન કરતાં ન અચકાય!! અમેરિકન કે ઓસ્ટ્રેલિયન લોકો માટે હોંગકોંગ વાસીઓને કોઇ વિશેષ ભાવ નથી હોતો. જો કે અમેરિકન ને ઓસ્ટ્રેલિયન લોકો આવી બધી બાબતોની પરવા પણ નથી કરતાં અને લાગ આવે તો આવી બાબતે સ્થાનિકો સાથે બોલાચાલીથી લઇને હાથાપાઇ સુધ્ધાં કરતા અચકાતા નથી. મધ્યપૂર્વના લોકો વિષે અહિંના સ્થાનિકોનો અભિપ્રાય ઉતરતી કક્ષાનો છે અને તે તેમના વર્તનમાં દેખાઇ આવે છે. બાકી કોકેસિયન કે પછી લેટિન અમેરિકન લોકોની ત્વચાનો રંગ પણ ઘેરો હોવાને લીધી તેઓ ભારતિયો જેવા જ વર્તનનો ભોગ ક્યારેક-ક્યારેક બને છે. તો આફ્રિકી મૂળના લોકો વિષે તમે સમજી જ શકો કે તેમનું વર્તન બરાબર ન જ હોય!! આ બધામાં સૌથી ખરાબ હાલત હોય તો તે ફિલિપીનો ને ઇન્ડોનેશિયન લોકોની છે. અહિં આવનાર ઘરેલુ નોકરોમાં (House maids) તેમની સંખ્યા સૌથી વધારે છે; અને સામાજિક ભેદભાવના તેઓ સૌથી મોટા ભોગ બને છે. સ્થાનિક લોકો (અને તેમની દેખાદેખીમાં બીજા લોકો પણ) તેમના વિષે જાહેરમાં પણ હલકી ટિપ્પણી કરતાં કે તેમનું અપમાન કરતાં અચકાતાં નથી. જ્યારે હકિકત એ છે કે તેઓ સૌથી નિરુપદ્રવી લોકો છે!!

હોંગકોંગના લોકો ભારતિય ઉપમહાદ્વિપના (એટલે કે ભારતિય-પાકિસ્તાની-બાંગ્લાદેશી) લોકો સાથે કેવા કેવા પ્રકારનો ભેદભાવ રાખે છે? તમને અમુક દુકાનો કે જ્યાં સ્થાનિક લોકો કામ કરતાં હોય ત્યાં ત્વચાના રંગને લીધે કે પછી તમારા પહેરવેશને લીધે પ્રવેશતા કે પછી ખરીદી કરતા રોકવામાં આવે; અથવાતો તમારા પ્રત્યે અનિચ્છિત આગંતુક જેવો વ્યવહાર થાય. આવું જ કેટલીક સ્થાનિકો દ્વારા ચલાવાતી આધુનિક રેસ્ટોરન્ટ્સમાં થવાની પણ શક્યતા રહેલી છે. ત્યાં કદાચ તમને પ્રવેશવા પણ ન દે કે પછી સર્વિસ પૂરતી ન મળે કે; ટૂંકમાં ભેદભાવભર્યું વર્તન જોવા મળે. આવું બધું દરરોજ નથી બનતું પણ બને છે ખરું.

અમુક પ્રકારની (ઉચ્ચ કક્ષાની ને ઊંચા પગારની) નોકરીઓ સ્થાનિક લોકોને જ મળે તેની તકેદારી હોંગકોંગવાસી કંપની-માલિકો ખાસ રાખે છે. તે માટે જે તે અ-સ્થાનિક વ્યક્તિ લાયક હોય તે છતાં તેને આવી પ્રતિષ્ઠિત જગ્યા ન મળે તેવી રીતો અપનાવાય છે; જેમકે અચાનક જ આવી પોસ્ટમાટે ચાઇનિઝ ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત બનાવી દેવાય વગેરે; છેવટે તે જગ્યા સ્થાનિક હોંગકોંગ વાસીને ફાળે જાય, પછી ભલે તેને માટે તે સંપૂર્ણ લાયક ન હોય! (હું આજ સુધી તો એવા કોઇ ભારતીય કે ભારતિય મૂળના વ્યક્તિને નથી મળી શક્યો કે જે એવી કંપનીમાં નોકરી કરતો હોય જ્યાંનો માલિક હોંગકોંગ વાસી હોય. જ્યારે એવા ઘણા ભારતિયોને મળ્યો છું કે જેઓ જન્મથી જ હોંગકોંગમાં રહેતા હોય, ઉચ્ચ શિક્ષણ મેળવેલું હોય અને સ્થાનિક ભાષા પર પુરતું પ્રભુત્વ હોય!! હા એવા ઘણા સ્થાનિકોને જાણુ છું કે તેઓ ભારતિય કે અન્ય મૂળના વ્યક્તિની માલિકીની કંપનીમાં વર્ષોથી કામ કરતાં હોય અને સારી પોસ્ટ પર રહી ઉંચો પગાર પણ મેળવતાં હોય)

સૌથી મોટો ભેદભાવ અહિં જ્યારે તમે ભાડે ઘર લેવા માટે જાવ ત્યારે અનુભવવો પડે છે. હોંગકોંગ કે ચીની મૂળના વ્યક્તિ સિવાયના લોકોને બધા હોંગકોંગ મૂળના ઘર-માલિકો તેમની જગ્યા ભાડાથી આપતા નથી!! ખાસ કરીને ભારતિયો માટે તેમને વધારે પડતો ભેદભાવ હોય છે. તેમનું કહેવું હોય છે કે ભારતિયો ઘરને ઘણું ગંદુ કરી નાખે છે; ખાસ તો કિચન- કારણકે તે ઘણા બધા મસાલા વાપરે છે અને તેલ પણ વધારે પડતુ વાપરે છે. નવાઇ લાગે છે ને? પણ આ હકિકત છે; અને તેમાં થોડે ઘણે સચ્ચાઇ પણ છે. ઘણા ભારતિયો પોતાની આગવી રીતે રસોઇ બનાવીને કિચનનો સત્યાનાશ વાળી નાખે છે.

શિક્ષણ સંસ્થાઓમાં સામાન્ય રીતે સામજીક ભેદભાવનું પ્રમાણ નહિંવત્ હોય છે. પરંતુ, એક વાત ઊડીને આંખે વળગે એવી છે – ચીની માધ્યમમાં ભણાવતી શાળાઓમાં ફીનું પ્રમાણ ઘણું ઓછું અને તે જ કક્ષાની ઈન્ટરનેશનલ સ્કૂલોમાં ફી આકાશને આંબતી હોય છે. બીજી જે વાત ખાસ ખટકે તેવી હોય છે તે – ભારતિય લાયક અને અનુભવી ઉમેદવારોને આ શાળાઓમાં શિક્ષકની નોકરી માટે સૌથી છેલ્લી પ્રાયોરિટી આપવામાં આવે છે; કારણકે તેમની ત્વચાનો રંગ જુદો છે. ગોરી ચામડી વાળા લોકો સમજે છે કે આ ઘેરી ચામડી વાળા લોકો તેમના બાળકોને એ સંસ્કાર નહિં આપી શકે જે તેમના જેવા લોકો આપી શકે છે. (અને વાત પણ સાચી છે; અહિંના ગોરા લોકોના જેવા છીછરા સંસ્કાર કોઇ ભારતિય શિક્ષક ન જ આપી શકે!!) અહો વૈચિત્ર્યમ્ !!

બીજી ઘણી રોજીંદી બાબતોમાં તમે સામાજીક ભેદભાવ અનુભવી શકો છો. બસ કે મેટ્રો ટ્રેનમાં તમારી પાસેની જગ્યા ખાલી હોય છતાં ચીની વ્યક્તિ તમારી બાજુમાં નહિં બેસે; અડધા કલાકની મુસાફરી તે ઊભા-ઊભા કરી નાખશે પરંતુ તમારી બાજુમાં નહિં બેસે (બધા જ લોકો આવા નથી હોતા અને દરરોજ આવો અનુભવ નથી થતો; પરંતુ પાંચમાંથી એકાદ મુસાફરીમાં આવી આશા રાખી શકાય). બસસ્ટોપ પરથી બસ ઉપડી રહી છે અને તમે સમય સાચવવા માટે આ બસ પકડવા માટે દોડી રહ્યા છો; ડ્રાયવરની નજર તમારા પર પડે છે; તેને ખબર છે કે તમારા માટે તે ઉભો રહેશે તો દસ સેકન્ડથી વધારે ફરક નહિં પડે; પરંતુ તે નહિં ઊભો રહે. તમારી જગ્યાએ જો કોઇ મૂળ નિવાસી માટે હોય તો આ બસ ડ્રાયવર ઊભો રહેશે; પછી ભલે તે કેટલીક મિનિટો માટે મોડો પડી જાય!!

હોંગકોંગ વાસી ટેક્સીડ્રાઇવર ઘેરી ચામડી વાળાને કે ચીની સિવાયના અન્યભાષીને બેસાડવાની ના પાડે કે પછી બેસાડ્યા પછી અધવચ્ચે ઉતારી દે એવું પણ ઘણી વાર બનતું હોય છે.

આ બધું જ તમારે એક સામાન્ય નાગરિક તરીકે ભોગવવું પડે છે. એટલે કે જો તમારી કંપનીમાં તમારો હોદ્દો સામાન્ય કે તેથી ઉતરતો હોય, તમારી આવક મર્યાદિત હોય, તમારી રોજીંદી જીંદગીમાં તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો બહોળો ઉપયોગ કરવાનો થતો હોય તો તમારે તમારી રોજીંદી જીંદગીમાં આવુ બધું સહન કરવાની તૈયારી રાખવી જોઇએ. પણ જો તમે આ દેશમાં તમારી પોતાની કંપની ધરાવો છો; પાસે ઘણો પૈસો છે, તો તમારે માટે કોઇજ સામાજીક ભેદભાવ નથી. પૈસાના રંગમાં બાકીના બધા જ રંગ ભૂંસાઇ જાય છે; તમે દરેક જગ્યાએ આવકારને પાત્ર છો!! અહો વૈચિત્ર્યમ્ !!

ઘરેલુ નોકર તરીકે કામ કરવા આવતા ફિલિપિનો, ઇન્ડોનેશિયન ને નેપાળીમાંથી સૌથી મોટી સંખ્યા ફિલિપિનોની છે. તેમને મહિને મર્યાદિત પગાર મળે છે; જે માલિકને માટે કામ કરવા આવ્યા હોય તે સિવાય અન્ય ઘરોમાં કામ કરવા ન જઇ શકાય; આખા અઠવાડિયા દરમ્યાન માલિકના ઘર સિવાય ક્યાંય ન જઇ શકે (જોકે વિક-એન્ડમાં અને જાહેર રજાઓના દિવસે તેમને ફરજિયાત રજા આપવી પડે), માલિકના ઘરે જ સૂવાનું અને તેના ઘરે જ ખાવાનુ-પિવાનું; ઘરના દરેક કામ – સાફ સફાઇ/ કપડાં ધોવા ને ઇસ્ત્રિ કરવા/ રસોઇ/ વાસણ/ બાળકો સાચવવા/ તેમને તૈયાર કરવા અને સ્કૂલે મૂકવા-લઇ આવવા/ માલિકના કુતરા કે બિલાડીને સાચવવા-ફેરવવા લઇ જવા/ માર્કેટમાંથી શાકભાજી વગેરે ખરીદવા… ટૂંકમાં ઘરમાં નોકર રાખ્યા પછી કોઇ કામ જાતે ન કરે; બધી જ જવાબદારી નોકરની!! કેટલાક ગોરા લોકો અહિં એક-બે-ત્રણ વર્ષના ડેપ્યુટેશન પર આવે; પોતાના પરિવારને દેશમાં જ રાખીને આવે અને અહિં આવ્યા બાદ પહેલું કામ એજન્સીને કહીને ફિલિપાઇન્સથી જુવાન, રૂપાળી અને મહેનતુ ઘરનોકરની વર્ધી આપી દે. જ્યાં સુધી અહિં રહે ત્યાં સુધી તેને ઉપ-પત્નિની જેમ રાખે અને ભોગવે (અને લાગ મળ્યે બદનામ પણ કરી નાખે) અને પાછા જાય ત્યારે કામ પૂરૂં ને સંબંધ ખતમ!! પેલી આવનાર પણ કદાચ તેની આવી ‘ખાસ’ જવાબદારીથી જાણકાર હોય; અથવાતો આવ્યા બાદ ખબર પડી હોય અને દેશમાં પોતાના પરિવારને માટે કમાવાની લ્હાયમાં બધું ચલાવે રાખતી હોય. તનતોડ મહેનતના બદલામાં ખૂબ ઓછો પગાર, ઘણી બધી જવાબદારીઓ, શારિરીક-માનસિક શોષણ, અને કેટલાક કેસમાં જાતિય શોષણ તે છતાંય કોઇ જ પ્રકારની ઇજ્જત નહિં!! તેમની જીંદગીને ધ્યાનથી જોયા પછી લાગે કે ગુલામી પ્રથા હજુ ગઇ નથી. જો કે આ “ગુલામો” રવિવારના દિવસે તેમની મરજી મુજબની મજા કરવા માટે આઝાદ હોય છે અને તે દિવસે આ બધી જ ટચુકડી-ટચુકડી (પુખ્ત ઉંમરની ફિલિપિનો છોકરીઓની સામાન્ય ઊંચાઇ આપણે ત્યાંની દસ વરસની છોકરી જેટલી હોય છે) છોકરીઓ (વાસ્તવમાં સ્ત્રીઓ) હોંગકોંગના બધા જ વિસ્તારોની બધી જ ગલીઓને ભરી દે છે.

આ વાત અહિં કરવાનું મુખ્ય કારણ એ છે કે; આપણે અગાઉ ભારતિય સમાજ વ્યવસ્થામાં બ્રાહ્મણોનું વર્ચસ્વ / મનુ-સ્મૃતિ / ચાતુર્વણ્ય વ્યવસ્થા, તેની ઉત્પત્તિના સંભવિત કારણો અને તેને નાબુદ કરવાના ઉપાયોની ચર્ચાઓ કરી હતી. તે સમયે પણ મેં જણાવ્યું હતું કે આ પ્રકારના સામાજીક ભેદભાવો દુનિયાના ઘણા સમાજોમાં પ્રવર્તમાન હોય છે. અહિં તેમાંના એક (અને દુનિયાના અતિ સમૃધ્ધ) સમાજનું આંખે દેખ્યું ઉદાહરણ આપ્યું છે. આ લેખને લગતી કેટલીક પૂરક માહિતી આ બધી લિંક પરથી મળી રહેશે.

Social Discrimination is a part of Hong-Kong’s daily life and so, it has to pass the law against racial discrimination. It was a first of its kind in any of the Chinese territory. The law was passed in July 2008 and it was not so strong.

“Time World” of 14th July 2008 wrote an article about it with heading – “HK’s Half-Baked Anti-Racism Law” (http://www.time.com/time/world/article/0,8599,1822399,00.html). 

Asia Times online wrote on July 15, 2008 “Hong Kong’s dirty little secret: Racism” (http://www.atimes.com/atimes/China/JG15Ad01.html).

An Australian actor and activist working in Hong Kong also wrote on his blog ‘An Aussie in Hong Kong’ with the title – “Racism in Hong Kong” on 13th Oct., 2010 (http://www.hokwokwing.hk/archives/201010/racism_in_hong_kong.html)

These are some example available on the world of internet; you can also find some surveys on internet; conducted before and during passing the law against racism. Results of this survey are interesting but shocking!!

સિક્કાની બીજી બાજુ પણ બતાવવી જરૂરી છે; જે મેં નજરે જોયેલી અને અનુભવેલી છે. ઉપર મેં જણાવ્યું કે હોંગકોંગના મૂળનિવાસીઓનું બહારના લોકો સાથેનું વર્તન ભેદભાવભર્યું હોય છે; અને ભારતિય કે ભારતિય ઉપમહાદ્વિપમાંથી આવતા લોકો માટે તેનું પ્રમાણ થોડું વધારે હોય છે. પરંતુ, વધારે ઝીણવટથી જોઇએ તો આ માટેના કારણો આપણા લોકો ડગલે ને પગલે આપી રહ્યાં છે. મેં મેટ્રો-ટ્રેનમાં મુસાફરી કરતાં નોંધ્યુ છે કે કેટલાક ભારતિય જુવાનિયાઓ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતી વખતે ફૂટડી ચીની છોકરીઓને ટીકી-ટીકીને જોઇ રહેશે; અને જો ચાન્સ મળે તો તેમને સ્પર્શ કરી લેશે. આવું વર્તન સ્થાનિક લોકો ક્યારેય નહિં કરે. હા, તેઓ પોતાની પત્નિ, ફિયાન્સી કે ગર્લફ્રેન્ડ સાથે જાહેર સ્થળોએ એવી રીતે વર્તતા હોય છે કે જાણે તેઓ આત્યારે તેમના બેડરૂમમાં બેઠા હોય. જો કે આ જ અહિંની સંસ્કૃતિ (કે પછી વિકૃતિ) છે; તેને માટે આપણે કોઇ દલિલ/ ટિપ્પણી કરવાની ન હોય. પરંતુ તેઓ જે કાંઇ કરે છે તે પોતાના સાથીદાર સાથે જ કરતાં હોય છે, બીજા કોઇની સામે નજર સુધ્ધાં નથી નાખતા. બીજી એક ઘટના એથી પણ વધારે આઘાત જનક હતી. દરેક ઠેકાણે હોય છે તેમ, હોંગકોંગમાં પણ મેટ્રો ટ્રેન સ્ટેશનમાં દાખલ થવા માટે તમારે ટિકિટનો ઉપયોગ કરવાનો હોય છે; મશીન આગળ ટિકિટ બતાવો એટલે દરવાજો ખૂલે અને તમે પ્લેટ્ફોર્મ પર થઈ ટ્રેનમાં દાખલ થાવ અને તમારા ગંતવ્ય પર પહોંચ્યા બાદ; તમારી ટિકિટ ફરીથી બતાવવાની હોય છે જેથી ત્યાંનો દરવાજો ખૂલે અને તમે બહાર નીકળી શકો. (ટિકિટને બદલે પાસ કે ઇલેક્ટ્રોનિક કાર્ડ પણ હોઇ શકે.) એક વાર ઓફિસ જતાં મારી ટ્રેનમાં ત્રણ ભારતિય છોકરાઓ હતા; તેમની વાતો પરથી લાગ્યું કે ત્રણેય સ્કૂલ સ્ટુડન્ટસ્ હોવા જોઇએ. જે સ્ટેશને મારે જવાનું હતું ત્યાંજ તેઓ ઉતર્યા, મારી સાથે-સાથે બહાર જવાના દરવાજે આવી રહ્યાં હતાં તેમાંનો એક જણ પોતાની ટિકિટ (કે પાસ) મશીનને બતાવીને બહાર નીકળી ગયો. બાકીના બે માંથી એક બોલ્યો કે “અરે, ઊભો રહે મારી પાસે તો ટિકિટ જ નથી. થોડી રાહ જો, હમણા ભીડ ઓછી થશે અને સિક્યુરિટીવાળા પણ આમતેમ થઇ જશે; પછી પેલી રેલિંગ કુદીને હું બહાર આવી જઇશ.” મારે માટે આ ખરેખર આશ્ચર્ય પામવા જેવું જ નહિં પરંતુ ઝટકા સમાન પણ હતું. મને નવાઇ લાગી કે કોઇ આવી રીતે પણ હોંગકોંગમાં મુસાફરી કરે છે?? અને તે પણ સ્કૂલના છોકરાઓ અને બધાથી વધીને તે પણ ભારતિય?

તે ઉપરાંત અન્ય રીતે પણ ભારતિય લોકો હોંગકોંગના સામાજીક વાતાવરણ માટે વિચિત્ર લાગે તેવું વર્તન કરતાં હોય છે જેમકે જાહેરમાં મોટે-મોટેથી વાતો કરવી, કચરો ગમે ત્યાં ફેંકવો કે ગમે ત્યાં થૂંકવુ વગેરે.. અને મૂળનિવાસીઓને નફરત કરવા માટેના કારણો આપતાં હોય છે.

તેની સામે કેટલાક એવા પણ ભારતિયો હોય છે કે જે સવાયા હોંગકોંગ વાસી થવા જાય છે. પોતાનું વાણી-વર્તન અકુદરતી રીતે કાબુમાં રાખવાનો પ્રયત્ન કરતાં હોય છે અને તે રીતે હોંગકોંગ વાસીની નકલ કરવાનો પ્રયત્ન કરીને તેમનામાંના જ એક હોવાના વહેમમાં રાચતા હોય છે. જાણે આખા હોંગકોંગના ભારતિય લોકોનો ઠેકો લઇ રાખ્યો હોય તેમ બીજાઓને વણમાગી સલાહો પણ આપતા ફરતાં હોય છે; આમ કરો ને આમ ન કરો વગેરે. આવા લોકો અહીં-તહીં છાપાઓમાં કે ઇન્ટરનેટ પર કે પછી ન્યુઝ ચેનલો પર સમાચાર વાંચી-સાંભળી ટ્રેનોમાં; બસોમાં ભેગા થઇ પોતાના દેશ વિષેની ભરપુર ટીકા-ટીપ્પણી અને સરખામણી કર્યા કરતાં હોય છે. અને આ બધામાંથી એવો નિષ્કર્ષ કાઢવાની કોશિશ કરતાં હોય છે કે ભારત પછાત છે અને હોંગકોંગ બહુ જ વિકસિત છે; અને પેટભરીને-મનભરીને ભારતને, તેના નેતાઓને ને ત્યાંના અધિકારીઓને ગાળો દેવાનો વાણી વિલાસ કર્યા જ કરતાં હોય છે; દરેક ચર્ચાને અંતે એવું સાબિત કરવાનો પ્રયત્ન કરે કે હોંગકોંગ ભારત કરતા બધી રીતે ચડિયાતું છે અને તેવું અન્ય લોકોના મગજમાં ઘુસાડવાનો પણ પ્રયત્ન કરે. આવા લોકો પાછા અહિં-તહિંથી અધકચરી માહિતી મેળવીને હોંગકોંગના નિતિ-નિયમો અને કાયદા-કાનુનો વિષે પણ લાંબી-લાંબી ચર્ચાઓ કર્યે રાખે અને બીજા દેશવાસીઓને તેમની વાત મનાવવાનો પ્રયત્ન કરે. સરવાળે આવા લોકો પણ હોંગકોંગ વાસીઓમાં ભારતિયો વિષેની ખરાબ માન્યતાને દ્રઢ કરવાનું જ કામ કરે છે. ભાગલા વખતે પાકિસ્તાન ગયેલા મુજાહિદ્દીનોની માફક ન તો તેઓનો હોંગકોંગમાં માનભેર સ્વીકાર થાય છે; તેઓએ કરેલા વાણી વિલાસને પગલે હોંગકોંગના લોકોને અન્ય ભારતિયો વિષેની નકારાત્મક વાતોની જાણ થાય છે (જે સામાન્ય સંજોગોમાં બહાર ન આવી હોત) અને તેમણે કરેલા આવા નાટકિય વર્તનને લીધે તેમને તેમના પોતાના ભારતિય સમાજમાં તો કોઇ સ્વીકારતું જ નથી!!

આખી ચર્ચાનો નિષ્કર્ષ એટલોજ કે કાગડા બધે જ કાળા હોય છે અને ‘કા-કા’ ની જ વાણી બોલતા હોય છે; પછી તે ભારત હોય કે હોંગકોંગ. આપણા સમાજમાં વર્ણવ્યવસ્થા એટલે ઊંડે સુધી ઘુસી ગયેલી છે કે તેના વિરૂધ્ધના જરા સરખા કાર્યો પણ મોટી સામાજીક ટીકાને પાત્ર બને છે. પરંતુ, તે છતાંય સામજીક પરિવર્તન આવી રહ્યા છે અને કુપ્રથાઓ માંથી બહાર આવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે; જ્યારે અહિંતો આ પ્રકારની સમાજ વ્યવસ્થાને બધાએ એટલી હદે સ્વીકારી લીધી છે કે તેને વિષેની દરેક વાત લોકોને સામાન્ય લાગે છે અને કોઇને તેની વિરૂધ્ધ બોલવા માટે સમય પણ નથી!! જય હિંદ!!!